Saturday, April 18, 2020

પેન્સીલ થી લખાણ લખેલી ૨૦૦૦ ની નોટ.

તારીખ : ૩૦ ઑગસ્ટ ૨૦૧૭


કેમ છો??? હમણાથી આપણા બ્લોગમાં બહુ ગંભીર વાતો થઇ રહી છે ત્યારે મને આજે એક હાસ્ય પ્રસંગ કહેવાની ઇચ્છા થાય છે.


હમણા સોમવતી અમાસ પર હું ઘેર ગયેલો, સોમવતી અમાસ અમારા બ્રહ્મણો માટે બહુ મોટો પ્રસંગ કહેવાય. અમારા ગામ વઢવાણમાં સોમવતી અમાસ પર સ્વયંભુ ક્ષેમશંકર મહાદેવની નગરયાત્રા નીકળે. આ નગરયાત્રા માં જોડાવુ એ મુખ્ય ઉદેશ્ય હતો ઘેર જવાનો. નગરયાત્રામાં તો ખુબજ મસ્તી કરી અમે જેના ફોટોગ્રાફ્સ તમે અહીંયા જોઇ શકો છો.પણ મારે તમને બીજા દિવસે મારી જોડે બનેલી ઘટનાની વાત કરવી છે. આગળના દિવસે ખુબજ મસ્તી કર્યા પછી બિજા દિવસે સવારે હું નવેક વાગ્યે તૈયાર થઇ ગયેલો. હું તૈયાર થઇને નીચે આવ્યો ત્યારે મને મારા પપ્પા એ એમની દવા લેવા સુરેંદ્રનગર જવા કહ્યુંં. વઢવાણ થી સુરેંદ્રનગર જવુ એ કોઇ મોટી વાત નથી પરંતુ હમણા અમારા ગામમાં ભ્રસ્ટાચારીઓ ની સંખ્યા વધી ગય છે માટે રસ્તા નો હાલ બેહાલ છે અને મને આ બધુ જોઇને કવિ દલપતરામની  એક કવિતા યાદ આવે છે,પૂરી એક અંધેરી ને ગંડુ રાજા,
ટકે શેર ભાજી ને ટકે શેર ખાજાં;
બધી ચીજ વેચાય ત્યાં ભાવ એકે,
કદી સારી બૂરી ન વેચે વિવેકે.


ત્યાં જઈ ચઢ્યા બે ગુરુ એક ચેલો,
ગયો ગામમાં માગવા શિષ્ય પેલો;
લીધી સુખડી હાટથી આપી આટો,
ગુરુ પાસ જઈને કહે, “ખૂબ ખાટ્યો.”


ગુરુજી કહે, “રાત રહેવું ન આંહી,
સહુ એક ભાવે ખપે ચીજ જ્યાંહી;
હશે ચોરને શાહનો ન્યાય એકે,
નહી હોય શિક્ષા ગુનાની વિવેકે.


ન એ વસ્તીમાં એક વાસો વસીજે,
ચલો સદ્ય ચેલા જવું ગામ બીજે.”
કહે શિષ્ય, “ખાવા પીવા ખૂબ આંહી,
તજી તેહ હું તો ન આવીશ ક્યાંહી.”


ગુરુએ બહુ બોધ દીધો જ ખાસો,
“નહીં યોગ્ય આંહી રહ્યે રાતવાસો.”
ન માની કશી વાત તે શિષ્ય જયારે,
ગુરુજી તજીને ગયા ગામ ત્યારે.


રહ્યા શિષ્યજી તો ત્યહાં દિન ઝાઝા,
બહુ ખાઈપીને થયા ખૂબ તાજા;
પછીથી થયા તેહના હાલ કેવા,
કહું છું હવે હું સુણો સદ્ય તેવા.


તસ્કર ખાતર પાડવા, ગયા વણિકને દ્ધાર;
તહાં ભીત તૂટી પડી, ચોર દબાયા ચાર.
માત પ્રભાતે ચોરની, ગઈ નૃપને ફરિયાદ;
શૂળી ઠરાવી શેઠને, ડોશીની સૂણી દાદ.


“એવુ ઘર કેવું ચણ્યું, ખૂન થયાં તે ઠાર;
રાતે ખાતર ખોદતાં, ચોર દબાયા ચાર.”
વણિક કહે, “કડિયા તણો એમાં વાંક અપાર;
ખરેખરી એમાં નથી, મારો ખોડ લગાર.”


કડિયાને શૂળી ઠરી, વણિક બચ્યો તે વાર;
ચૂકે ગારો કરનારની, કડિયે કરી ઉચ્ચાર.
ગારો કરનાર કહે, “પાણી થયું વિશેષ;
એ તો ચૂક પખાલીની, મારી ચૂક ન લેશ”


પુરપતી કહે પખલીને, “જો તું શૂળીએ જાય,
આજ પછી આ ગામમાં, એવા ગુના ન થાય.”
“મુલ્લાં નીસર્યા મારગે, મેં જોયુ તે દિશ;
પાણી અધિક તેથી પડ્યું, રાજા છાંડો રીસ.”


મુલ્લાંજીને મારવા, કરી એવો નિરધાર;
શૂળી પાસે લઈ ગયા, મુલ્લાંને તે વાર.
ફળ જાડું શૂળી તણું, મુલ્લાં પાતળે અંગ;
એવી હકીકત ચાકરે, જઈ કહી ભૂપ પ્રસંગ.


ભૂપ કહે, “શું હરઘડી આવી પૂછો કોઈ;
શોધી ચઢાવો શૂળીએ, જાડા નરને જોઈ.”
જોતાં જોતાં એ જડ્યો, જોગી જાડે અંગ;
બહુ દિન ખાઈને બન્યો, રાતે માતે રંગ


શિષ્ય મુદત માગી ગયો ગુરુ પાસે પસ્તાય;
ગુરુએ આવી ઉગારિયો, અદભૂત કરી ઉપાય.
જોગી શૂળી પાસ જઈ કહે, “ભૂપ સુણ કાન,
આ અવસર શૂળીએ ચઢે, વેગે મળે વિમાન.”


ચેલો બોલ્યો, “હું ચઢું” ને ગુરુ કહે, “હું આપ;”
અધિપતિ કહે, “ચઢીએ અમો, પૂરણ મળે પ્રતાપ.”
ગુરુ ચેલાને ગામથી, પહોંચાડ્યા ગાઉ પાંચ;
રાજા શૂળી પર રહ્યો, અંગે વેઠી આંચતમને થશે કે આ કવિતા ખાડા-ખડીયા અને આ બ્લોગને શું લાગે વળગે પણ હવે હું કહુ, હું મારા ઘેરથી બાઇક ની કીક મારી દુકાન તરફ જવા નીકળ્યો. ધોળીપોળ ના પુલની ધોવાયેલી સડક ક્રોસ કરી, હું ધુડ રુપી અબીલ-ગુલાલ થી મારો મફત માં અભિષેક કરાવતો રાજ હોટલ પાસે પહોંચ્યો, ત્યાં મને અનેક વાહનો ના ધુમાડા એ મફતમાં જ એક સીગરેટ જેટલો ધુમાડો આપી દીધો અને ત્યાંથી હું ટાવર બાજુ ગયો.


સુરેંદ્રનગર ના નહીં હોય એ લોકો માટે હુંં કહી દઉ કે અમારા ગામમાં રસ્તા નાના અને ખરાબ છે અને વાહનો ખુબજ વધારે છે. માટે મારા ઘેર થી અજરામર ટાવર સુધી નો પાંચ કિલોમીટર નો રસ્તો કાપવામાં મને પોણી કલાક થયેલી. અજરામર ટાવરથી હું મારા પપ્પા જ્યાંથી દવા લે છે ત્યાં લેવા ગયો પણ, જૈન સમાજ ના પર્યુષણના લીધે દુકાન બંધ હતી.


માટે પછી હું અમારા ગામ ના પ્રસીધ્ધ મેડીકલ સ્ટોર, રામબાણ માં ગયો. રામબાણનું કામ રામાયણ ના હનુમાનજી જેવુ ત્યાં બધીજ જાતની દવાઓ મલે. ગામમાં બીજી દુકાનો બંધ હોવાના કારણે, અહીં ખુબજ ભીડ હતી. હું લગભગ વિસેક મીનીટ એમનામ ઉભો રહ્યો. ત્યાં ઘણાબધા લોકો રાહ જોતા હતા મારા પછી પણ અનેક લોકો આવેલા. અંતે વિસ મીનીટ પછી મારો વારો આવ્યો એટલે મેં પપ્પાની ટેબલેટ નું પતાકડુ આપ્યુ. એમણે મને સાઇઠ ટેબ્લેટ્સ કાઢી આપી.


ત્યાંથી ટેબ્લેટ માળ્યા પછી હું બીલ કાઉન્ટર પર ગયો. ત્યાં બીલ બનાવવા વાળા ભાઇ ખબર નહીં શુંં કરતા હતા પણ એમણે પણ મને વગર મફત નો પાંચેક મીનીટ ઉભો રાખ્યો. પાંચ મીનીટ ના વેઇટ પછી ભાઇ ને એવો અહેસાસ થયો કે હું એમનીજ રાહ જોઉ છુ માટે ભાઇએ મને કહ્યું લાવો દવા. મેં એમને દવા આપી એમણે બીલ બનાવ્યુ અને મને યાદ છે કે ૬૮૪ રુપીયા નું બીલ બનેલુ. મેં એ વડીલ ને ૨૦૦૦ ની નોટ આપી એટલે જાણે મેં બહુ મોટો ગુનો કર્યો હોય એમ એમણે મારી સામે જોયુ.થોડીવાર એમણે નોટ નું એનાલીસીસ કર્યુંં અને અંતે મને પાછી આપતા કહ્યુ કે આ નહી ચાલે. એટલે મારા દિલ માં ફાળ પડી મને થયુ ખોટી છે કે શું. મેં એમને બે-ત્રણ વાર પુછ્યુ કે કેમ પણ એમણે કશો જવાબ ના આપ્યો. એટલે મેં મારી રીતે નોટ જોઇ અને મને મળ્યુ કે એમાં મેં પેન્સીલ થી ૨૧ લખેલુ અને એ પણ એકદમ ના અક્ષરે. મેં એમને કહ્યુ કે કાકા હું ભુસી આપુ રબર હોય તો, પણ બદનસીબે મને એવો જવાબ મળ્યો કે રબર નથી બીજી નોટ હોઇ તો આપો બાકી દવાઓ પાછી મુકી દઇએ. બદનસીબીએ હું પણ ખાલી એજ નોટ લઇને ગયેલો એટલે મારે ધોયેલા મુળાની જેમ પાછુ ફરવુ પડ્યુ.


એમનું વર્તન જોઇ સ્પષ્ટ જણાતુ હતુ કે એ શેઠ નહતા નહીં તો એક નાના એવા લખાણથી ૬૮૪ નો ધંધો ના ખોઇ શકે. પણ હવે જે થયુ તે, હું તો એ દુકાનથી માઇ મંદીરવાળા રોડ પર રોલર કોસ્ટર નો અનુભવ મેળવી ઘેર પહોચ્યો.


આ વખતે બે સમુદાય ના ઝગડા ના કારણે અમારા ગામ માં મેળો નહતો થયો પણ અમરી નગરપાલીકા એટલી સારી છે કે એમણે રસ્તાઓ ખુબજ સરસ રીતે મેઇનટેન કરી અમને અલગ-અલગ રાઇડ્સ નો આહલાદક અનુભવ આપે છે.  (આ વાક્ય ને આર્ટીકલ સાથે કોઇ સંબંધ નથી પણ મારી આ વાત નગરપાલીકા સુધી પહોચાડવા માંગીશ.)

Source: https://abhijeetmehta.wordpress.com/2017/08/30/pencil-thi-lakhaan-lakheli-2000-ni-note/


No comments:

Post a Comment