Wednesday, November 29, 2017

તમે જ માણસ બની જાવ ને...

ઉનાળાની બળબળતી બપોરે એક ભીખારી જેવો માણસ બજારમાં આમતેમ આંટા મારી રહ્યો હતો એને ખુબ જ તરસ લાગી હતી અને એ પાણી શોધી રહ્યો હતો પરંતુ તાપ એટલો બધો હતો કે બધા જ દુકાનદારો પોતાની દુકાન બંધ કરીને જતા રહ્યા હતા.

તરસથી વ્યાકુળ થયેલા પેલા માણસની નજર છેવાડાની એક દુકાન પર ગઇ. એ દુકાન ખુલ્લી હતી પેલો માણસ ઝડપથી એ દુકાન સુધી પહોંચ્યો ત્યાં જઇને જોયુ ત, દુકાનમાં બીજુ કોઇ તો નહોતું પરંતું શેઠ થડા પર બેઠા-બેઠા હિસાબ કરતા હતા.

ભીખારી જેવા આ માણસે પેલા શેઠને કહ્યુ , "શેઠ બહું તરસ લાગી છે થોડું પાણી પાશો ?"

શેઠે કહ્યુ , "માણસ બહાર ગયો છે થોડી વાર ઉભો રહે."

પેલો ભીખારી ત્યાં જ ઉભો રહ્યો.

10 મિનિટ જેવો સમય થયો એટલે ભીખારી એ ફરીથી કહ્યુ કે, "શેઠ થોડું પાણી આપોને ગળું સુકાય છે."

પેલા શેઠે કહ્યુ કે હજુ માણસ નથી આવ્યો આવે એટલે તને પાણી આપે.

વળી થોડો સમય પસાર થયો એટલે ફરી પેલા ભીખારીએ કહ્યુ, "શેઠ એક પ્યાલો જ પાણી આપોને, જીવ જાય છે હવે તો આ તરસને કારણે."

શેઠે ખીજાઇને કહ્યુ , "એલા તને કેટલી વાર કહેવું કે માણસ નથી એ આવે એટલે તને પાણી પાશે."
 ભીખારીએ શેઠની સામે જોઇને એટલું જ કહ્યુ, "શેઠ બસ થોડીવાર માટે તમે જ માણસ બની જાવ ને!"

---

સાલુ આપણું પણ આ શેઠ જેવું જ છે ! ડોકટર , વકીલ , એંજીનિયર , અધિકારી , કર્મચારી, ખેડુંત , ઉધોગપતિ તો રોજ હોઇએ છીએ ક્યારેક ક્યારેક માણસ પણ બની જોઇએ !

Originally posted on 07/05/2013 at https://brijeshbmehta.wordpress.com/2013/05/07/તમે-જ-માણસ-બની-જાવ-ને/










No comments:

Post a Comment